એક લખું છું કહાણી કરુણા આંસું આંખલડીમાં આણી Ek lakhu kahani karuna

એક લખું છું કહાણી કરુણા,
એક લખું છું કહાણી
આંસું આંખલડીમાં આણી…

સુંદર તટની હતી સરિતા જ્યાં વહેતા ખળખળ પાણી,
જુગલ વસે ત્યાં ખગની જોડી સારસ-સારસી રાણી
આંસું આંખલડીમાં આણી…

પંખી બંનેને પ્રેમ ઘણેરો એને વર્ણવી શકે નહિ વાણી,
દેહ જુદા એનો, જીવડો એક જેમ વેલ તરૂ ને વીંટાણી
આંસું આંખલડીમાં આણી…

માદા હતી તેણે ઈંડા મૂક્યાં ને હૈયે અતિ હરખાણી,
પંખી ઊડ્યો એના પોષણ કાજે ઉરમાં શાંતિ આણી…
આંસું આંખલડીમાં આણી…

ચારો લઈને સારસ ચાલ્યો ત્યાં તો મોતની નાળ મંડાણી,
પારાધીએ એક તીર ફેંક્યું જ્યાં ચીસ્કારી સંભળાણી
આંસું આંખલડીમાં આણી…

કકળી ઊઠી ત્યારે કામની હૃદયની ગતિ વિંધાણી,
પિયુ પિયુ કર્યાં પૂકારો એણે ત્યાંતો એની આત્મ જ્યોત ઓલાણી
આંસું આંખલડીમાં આણી…

કઠણ હૃદયની કેવી રે વિધાતા, એની કલમ ન કાં અટકાણી,
કાન કહે ઈંડાનું શું થયું હશે એની કથી શકું ન કહાણી
આંસું આંખલડીમાં આણી…

Leave a Reply