એવી પ્રેમકટારી લાગી Evi prem katari lagi re

એવી પ્રેમકટારી લાગી‚ લાગી રે… અંતર જોયું ઉઘાડી ;
એવી ઝળહળ જ્યોતું જાગી‚ જાગી રે… દસ દરવાજા નવસેં નાડી…
એવી પ્રેમ કટારી લાગી…

શબદ કટારી કોઈ શૂરા નર જીલે‚ નહીં કાયરનાં કામ‚
શૂરા હોય ઈ સનમુખ લડે‚ ભલકે પાડી દયે નિશાન ;
એવા લડવૈયા નર શૂરા… શૂરા… રે નૂરતે નિશાનું દિયે છે પાડી…
એવી પ્રેમ કટારી લાગી…

માથડાં ગૂંથી‚ નેણલાં આંજી બની હું વ્રજ કેરી નાર‚
પિયુને રીઝવવા તરવેણી હાલી સજ્યા સોળે શણગાર ;
એવાં રૂમઝૂમ ઝાંઝર વાગ્યાં… વાગ્યાં… રે ઓઢી મેં તો અમ્મર સાડી…
એવી પ્રેમ કટારી લાગી…

હું ને મારો પિયુજી સેજમાં પોઢયાં‚ નિંદા કરે નુગરા લોક‚
સારા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો‚ અમે ઊભાં રયાં માણેક ચોક ;
એવા નુગરા મોઢે મીઠાં‚ એવા નિર્ગુણ નુગરાં દીઠાં… દીઠાં… રે…
મુખ મીઠાં ને અંતર જારી… પાછળથી ઈ કરે છે ચાડી…
એવી પ્રેમ કટારી લાગી…

પ્રેમના પ્યાલા સતગુરુએ પાય‚ માંઈ ભરીયલ અમીરસ જ્ઞાન ;
અંધારું ટળ્યું ને જ્યોતું જાગી‚ સતનામની જાગી ગઈ સાન ;
એવા સાંઈવલી ક્યે છે રે હરખું હું તો દાડી રે દાડી…
એવી પ્રેમ કટારી લાગી…

Leave a Reply