કબીર સાહેબ સાખી બોધ Kabir saheb ni sakhi – bodh

(1) સુમરનસે સુખ હોત હય, સુમરસે દુઃખ જાય,
કહે કબીર સુમરન કિયે, સ્વામિ માંહિ સમાય.

પરમાત્માનું સ્મરણ કરવાથી સુખી થવાય છે, તેમજ દુઃખી થતા હોય ત્યારે પણ તેનું સ્મરણ કરે તો દુઃખ દૂર થાય છે. તેથી કબીરજી કહે છે કે પરમાત્માને હર હમેશ યાદ કરી સ્મરણ ચાલુ રાખશો, તો તમે તે સ્વામિમાં સમાઈ જશો.

(2) કબીરા સુમરન સાર હય, ઓર સકલ જંજાળ,
આદી અંત સબ શોધીયા, દુજા દીસે કાલ.

કબીરજી કહે! હરેક વસ્તુનો સાર પરમાત્મા છે, એનું સ્મરણ કાયમ રહેવું જોઈએ. બાકી આ બધી જંજાળ છે, એ સર્વની શોધ કરી તો તે બધાં આદી ને અંત વાળાં છે. જે એકથી બીજું છે તે હંમેશા કાળને વશ છે.

(3) કબીરા નિજ સુખ રામ હય, દુજા દુઃખ અપાર,
મનસા બાચા કર્મના, નિશ્ચય સુમરન સાર.

કબીરજી કહે! પોતાનું નિજ સ્વરૂપ તે રામ એટલે કે બ્રહ્મ છે. તેનાથી બીજું જુદું જણાવું તે પાર વગરના દુઃખનું કારણ છે. તેથી મનથી, વાણીથી અને કર્મથી જે કંઈ કરો ત્યારે આ બ્રહ્મ સ્વરૂપ સ્મરણમાં રહે તેનો પાકો નિશ્ચય કરજો.

(4) રામ નામકે લેત હિ, હોત પાપકા નાશ,
જૈસી ચન્ગિ અગ્નિકી, પડી પુલાને ઘાસ.

જેમ ફક્ત અગ્નિની નાનીશી ચિન્ગારી ઘાસના પુળાને સળગાવી બાળી મૂકે છે. તેમ રામનું નામ લેતાની સાથે એટલે કે પોતાનું નિજી સ્વરૂપ બ્રહ્મનું સ્મરણ થતાંની સાથે તારા બધાં પાપોનો નાશ થઈ જશે.

(5) નામ જો રતી એક હય, પાપ જો રતી હજાર,
એક રતી ઘટ સંચરે, જાર કરે સબ છાર.

તમે હજારો પાપો કર્યા હોય, છતાં જો તમે વખતસર ચેતી જઈ સદગુરૂ પાસેથી તે એકનું જ્ઞાન મેળવી લીધું હોય તો તે સર્વ પાપોનાં દુઃખોનો નાશ થશે.

(6) રામ નામકી ઔષધિ, સદગુરૂ દિયે બતાય,
ઔષધ ખાય પચી રહે, તાકે બેદ ન જાય.

રામ નામનું ઔષધ, તારી લાયકાત મુજબ સદગુરૂ તને બતાવશે. તે ઔષધ ખાઈ તું તેને પચાવી શકશે તો તારી બધી વેદનાનું દુઃખ નાશ પામશે. અર્થાત્ સદગુરૂ પોતાના શિષ્યને જે આત્મ જ્ઞાન બતાવે તેને શ્રવણ, મનન, નિદીધ્યાસન અને ચાર સાધનો થકી તેનો જાતે પોતે અનુભવ કરી લે, તેની સર્વ વેદના ચાલી જતાં તે નિર્ભય થાય છે.

(7) સબ મંત્રકા બીજ હય, રામ નામ તત્સાર,
જે કો જન હિરદેં ગરેં, સો જન ઉતરે પાર.

રામ નામ જે તત્વનો સાર છે, તે જ સર્વ મંત્રોનું બીજ છે. જેના હ્રદયમાં તે તત્વ ઉતરી વસી જાય, તે જન આ ભવ સાગરને જીવતાં જીવત પાર કરી જાય છે.

(8) રામ કહો મન વશ કરો, એહિ બડા હય અર્થ,
કાહેકો પઢ પઢ મરોં, કૌટહિ જ્ઞાન ગહન્થ.

તું કોટી જ્ઞાનનાં ગ્રન્થો વાંચી વાંચી શા માટે મહેનત કરી દુઃખી થઈ મરે છે, તેના કરતાં તારા મનને વશ કરી, રામનો ખરો અર્થ સમજી તે નામ તું લેશે તો તારૂં કામ થઈ જશે.

(9) જીને નામ લિયા ઉને સબ કીયા, સબ શાસ્ત્રકા ભેદ,
બિના નામ નર્કે ગયે, પઢ પઢ ચારો વેદ.

જેણે રામનું નામ લીધું એટલે કે નામ સ્મરણ બરોબર સમજી ગયો હોય, તે બધા શાસ્ત્રોનો ભેદ પામી જઈ ભવ પાર થઈ જાય છે. પણ જે સાર સમજ્યા વગર ચારો વેદ ભણી ભણી પંડિત થયો હોય તેને તો નર્કે જવું પડશે, એટલે કે તે ફરી ફરીને આ ભવ ચક્રમાં આવી પડશે.

(10) એકહિ શબ્દમેં સબહિ કહા, સબહિ અર્થ બિચાર,
ભજીયે કેવળ રામકો, તજીયે બિષ યહિ બિકાર.

એક જ શબ્દમાં મેં તને બધું જ કહી દીધું, એના બધા જ અર્થો પર સારી રીતે વિચાર કરી, વિષય વિકારોને છોડી, તું તે રામ શબ્દમાં તારી લગની લગાડજે, એટલે કે રામને ભજજે.

(11) કબીરા હરિકે નામસે, કૌટ બિઘન ટળ જાય,
રાઈ સમાન બસુદરા, કૈટેક કાષ્ટ જણાય.

કબીરજી કહે! રાઈ જેટલી અગ્નિની ચિનગારીથી કેટલા બધા લાકડાંનો જથ્થો બળીને રાખ થઈ જાય છે. તેમ એક જ હરિના નામનો સારી રીતે સમજી વિચારી જાપ કરશે, તો તારાં કરોડો અર્થાત સર્વ દુઃખોનો નાશ થશે.

(12) સુખમેં સુમરન ના કરે, દુઃખમેં કરે સબ કોય,
સુખમેં જો સુમરન કરે, તો દુઃખ કહાં કે હોય.

સુખી હોય ત્યારે કોઈ પણ મનુષ્ય પરમાત્માને યાદ નથી કરતો, અને જ્યારે દુઃખ આવી પડે ત્યારે તેને યાદ કરી તેની મદદ માંગે છે. પરંતુ સુખમાં તેને યાદ કરી સદ્ બુદ્ધિથી વિચારીને વર્તે તો દુઃખ છે જ ક્યાં? કે તે તને દુઃખ આપે.

(13) સુખમેં સુમરન ના કરે, દુઃખમેં કરે જો યાદ,
કહે કબીર તા દાસકી, કૌન સુને ફરિયાદ.

સુખમાં હોય ત્યારે કોઈ પરમાત્માનું સ્મરણ કરતું નથી, અને દુઃખ આવી પડે ત્યારે તેને યાદ કરે છે. કબીરજી કહે! તું વિષય વાસનાનો દાસ થઈ સુખની ખાતર ન કરવા જેવા કર્મો કર્યા છે, પછી જે દુઃખ આવે તેની ફરિયાદ કોણ સાંભળશે?

(14) બિપત્તભલી હરિ નામ લેત, કાયા કસોટી દુઃખ,
રામ બિનાં કિસ કામકી, માયા સંપત સુખ.

વિપત્તિ આવે તે સારૂં છે કે જેથી આપણને પરમાત્મા યાદ આવે છે. અને તેના દુઃખથી તન મનની કસોટી થાય છે. રામ વિના અર્થાત પરમાત્માનું જ્ઞાન મેળવ્યા વિના માયા મય સુખ સંપત્તિ જે નાશને પાત્ર છે, તે પરમાર્થમાં શું કામ આવવાનાં હતાં?

(15) હરિ સુમરન કોઢી ભલા, ગલી ગલી પડે ચામ,
કંચન દેહ જલાય દે, જો નહિં ભજે હરિ નામ.

માણસને કોઢ અર પંત નો રોગ થવાથી તેની ચામડી ગળી પડતી હોય, છતાં તે પરમાત્માને સમજીને તેનું નામ લેતો હોય તે ભલો માણસ છે. પણ જે તવંગર તંદુરસ્ત માણસ સમજ પુર્વક હરિનું સ્મરણ નહિં કરે, તેવાની સોના જેવી કાયા હોવા છતાં લોકો તેની કાયાને સળગાવી બાળી મૂકશે.

(16) જા ઘર સંત ન સેવિયા, હરિ કો સુમરન નાહે,
સો ઘર મરહટ સરિખા, ભુત બસોં તે માંહે.

જે ઘરમાં સાધુ સંતનું સેવન અને હરિનું સ્મરણ થતું નથી, તે ઘર ભુત પિશાચોનો વાસો હોય તેવા સ્મશાન સરખું છે. એટલે કે આ અવતારના તનમન થકી સદગુરૂ જેવા સંત પાસેથી પરમાત્મા વિષે જાણી લઈ, તેનું સ્મરણ થતું ન હોય, તો તેવાનાં તનમન ભુત પલીતોનાં વાસ વાળું સ્મશાન જ છે.

(17) રામ ના તો રતન હય, જીવ જતન કરી રાખ,
જબ પડેગી સંકટી, તબ રાખે રઘુનાથ.

રામ નામ તો એક અમુલ્ય રતન એટલે કે મણી છે. તેને જીવનું જતન કરે છે તેમ સાચવજે. જ્યારે સંકટ આવી પડે, ત્યારે તને રામના મર્મની સાચી સમજણ હોવાથી તે તને બચાવી લેશે.

(18) જબ જાગે તબ રામ જપ, સોવત રામ સંભાર,
ઉઠત બેઠત આત્મા, ચાલત હિ રામ ચિતાર.

જ્યારે જાગતો થાય ત્યારે રામનો જાપ કરજે, સુતી વખતે પણ રામનું સ્મરણ કરીને સુજે. એમ ઉઠતાં, બેસતાં, ચાલતાં અને દરેક કામ કરતાં, તારા મનમાં તે આત્મા રામનું ધ્યાન ચાલુ રાખજે.

(19) જીતને તારે ગગનમેં, ઈતને શત્રુ હોય,
કૃપા હોય શ્રીરામકી, તો બાલ ન બાંકો હોય.

આસમાનમાં જેટલા તારા છે તેટલા તારા શત્રુ એટલે દુશ્મન હોય. છતાં તારૂં ચિત્ત રામ સ્મરણમાં લાગેલું હશે તો તે શત્રુઓ તારો વાળ પણ વાંકો ન કરી શકે.

(20) જો કોઈ સુમરન અંગકો, પાઠ કરે મન લાય,
ભક્તિ જ્ઞાન મન ઉપજે, કહે કબીર સમજાય.

કબીરજી સમજાવી કહે છે, જે કોઈ પરમાત્માનો મંત્ર મોઢે કરી, તેને મનથી સારી રીતે વિચારે તેના મનમાં જરૂર જ્ઞાનની ભક્તિ ઉપજશે.

(21) જપ તપ સંયમ સાધના, સબ સુમરનકે માંહિ,
કબીર જાને યા રામજન, સુમરન સમ કછુ નાંહિ.

જપ તપ સંયમ સાધના વગેરે પરમાત્મ સ્મરણમાં આવી જ જાય છે. કબીરજી અને રામજન એટલે જ્ઞાની સંતો જાણે છે કે પરમાત્મ જ્ઞાનના સ્મરણની તોલે કંઈ જ નથી.

(22) સહકામી સુમરન કરે, પાવે ઉત્તમ ધામ,
નિષ્કામી સુમરન કરે, પાવે અવિચળ નામ.

કામના અર્થાત બદલાની આશા વાળા સ્મરણ કરે તેને કોઈક ઉંચું પણ વિનાશી સ્થળ મળે ખરૂં. પણ જે નિષ્કામ ભાવે પરમાત્મા સ્મરે તેને તો અવિચળ સાર પ્રાપ્ત થઈ જાય છે.

(23) પથ્થર પુંજે હરિ મિલે, તો મેં પુંજું ગિરિરાય,
સબસે તો ચક્કિ ભલી, કે પિસ પિસકે ખાય.

પથ્થરની મુર્તીને પુજવાથી જો ભગવાન મળતો હોય તો, હું મોટામાં મોટા પર્વતની પૂજા કરૂં. પણ એમ કંઈ હરિ એટલે પરમાત્મા મળતો નથી. તેનાથી પથ્થરની ઘંટી સારી કે તે થકી લોકો અનાજ દળી પોતાનું પેટ ભરે.

(૨૪) દેહ નિરંતર દેહરા, તામેં પ્રત્યક્ષ દેવ,
રામ નામ સુમરન કરો, કહાં પથ્થરકી સેવ.

તારૂં શરીર એજ તારી તદ્દન નજીકનું દેવાલય છે. તેની અંદર પ્રત્યક્ષ પરમાત્મા દેવ બેઠો છે, તેને સારી રીતે ઓળખી લઈ, તે રામનું હંમેશાં સ્મરણ કર. પથ્થરની મૂરતીની પૂજા કે સેવાથી તારૂં શું વળવાનું.

(25) પથ્થર મુખ ના બોલહિ, જો શિર ડારો કુટ,
રામ નામ સુમરન કરો, દુજા સબહિ જુઠ.

તું તારૂં માથું અફાળીને ફોડી નાંખશે તો પણ તે મુર્તિ જે પથ્થરની છે તે તેના મુખથી બોલવાની નથી. માટે તું રામ એટલે પરમાત્માનું સ્મરણ કરજે, કે જેથી તું સમજી જશે કે આ એકથી જે બીજું જણાય છે, તે સર્વ જુઠું છે.

(26) કુબુદ્ધિકો સુઝે નહિં, ઉઠ ઉઠ દેવલ જાય,
દિલ દેહેરાકી ખબર નહિં, પથ્થર તે કહાં પાપ.

ખોટી દિયાનત વાળા બુરી બુદ્ધિવાળા માણસોને સાચી સુઝ એટલે કે સમજવાની શક્તિ જ હોતી નથી. તેવાઓ થોડા થોડા વખતે દેવલ અર્થાત મંદિરે દોડતા ફરે છે. જેને પોતાનો દેહ જે મંદિર સમાન છે, તેની તો થોડીક પણ ખબર નથી, તેવાઓ મંદિરમાંની પથ્થરની મૂર્તિ પાસેથી શું મેળવવાના હતા?

(27) પથ્થર પાની પુંજ કર, પચ પચ મુવા સંસાર,
ભેદ નિરાલા રહ ગયા, કોઈ બિરલા હુવા પાર.

પથ્થર અને પાણીની પુજા કરી કરીને આ મનુષ્યો સંસાર સાગરમાં તડફી તડફીને ડુબી મરી રહ્યા છે. એ તો કોઈ વિરલાઓ જ તે પરમાત્માનો ભેદ જે નિરાળો છે, તેને જાણી લઈ પાર થઈ ગયા.

(28) મક્કે મદિને મેં ગયા, વહાંભી હરકા નામ,
મેં તુજ પુછું હે સખી, કિન દેખા કિસ ઠામ.
હું મક્કા મદિના જઈ આવ્યો ત્યાં પણ એજ હરીનું નામ લેવાતું છે. તો હું તમે બધા સખી મિત્રોને પુછું છું, કે તેને કોણે જોયો અને કઈ જગ્યાએ જોયો?

(29) રામ નામ સબ કોઈ કહે, ઠગ ઠાકોર ઔર ચોર,
ધ્રુવ પ્રહલાદ સબ તર ગયે, એહિ નામ કછુ ઓર.

રામનું નામ તો બધા જ લે છે, જેવા કે ઠાકોર અર્થાત રાજા, ચોર અને ઠગારા આજના બગ ભગત શાહુકારો પણ રામનું નામ પોપટની જેમ બોલે છે. પરંતુ એજ નામ સ્મરણ તકી ધ્રુવ, પ્રહલાદ જેવા બધા આ સંસાર ભવસાગર તરીને પાર ઉતરી ગયા.

(30)શુદ્ધ બિન સુમરન નહિ, ભાવ બિન ભજન ન હોય,
પારસ બિચ પરદા રહા, ક્યું લોહા કંચન હોય.

જેમ પારસમણિ અને લોખંડની વચમાં દિવાલ ખડી હોય તો તે લોખંડ કદી પણ સોનામાં ફેરવાતું નથી. તેમ શુદ્ધ નિર્મળ મન વિના પરમાત્માનું સ્મરણ કદી પણ થઈ શકે નહિં. અને સદભાવ વગર તેનું ભજન પણ થઈ શકે નહિં.

(31) સુમરન સિદ્ધિ યું કરો, જૈસે દામ કંગાળ,
કહે કબીર બિસરે નહિ, પલ પલ લેત સંભાળ.

જેમ ધનવાન જેના ધનની તુલનામાં એક દમડીની કશી પણ કિંમત નથી. અને તે એક દમડી પણ ગરીબને આપી શકતો નથી. પરંતુ પળે પળે તે તેની સંભાળ રાખે છે. કબીરજી કહે છે, તેમજ તું પણ પરમાત્માનું સ્મરણ એવી રીતે સિદ્ધ કર કે પળે પળે તને તેની યાદ ચાલુ રહે, અને જરા પણ વિસરાય નહિં.

(32) જૈસી નૈયત હરામપે, ઐસી હરસે હોય,
ચલા જાવે વૈકુંઠમેં, પલ્લા ન પકડે કોઈ.

જેમ મનુષ્યો પરાઈ મિલકત પર, નૈયત અર્થાત્ તેની ઈશ્વરે અર્પેલી દયાનત બગાડી તેને મેળવવા પ્રયાસ કરે છે, અને કર્મ બંધનમાં સપડાય છે. તેમજ જો તું પરમાત્મા પર તારી શુદ્ધ નૈયત રાખશે, તો તને ત્યાં પહોંચી જતાં તને કોઈ પણ અટકાવી શકશે નહિં.

(33) બાહેર ક્યા દિખલાઈયે, અંતર કહિયે રામ,
નહિ મામલા ખલ્કસેં, પડા ધનિસેં કામ.

બહારનો દેખાવો કરવાની કોઈ જ જરૂર નથી, તું અંદર અંતઃકરણમાં પરમાત્માનું સ્મરણ હરેક પળે ચાલુ રાખજે. જ્યારે તને ખલ્ક એટલે કે દુનિયાનાં ધણી સાથે જ કામ છે, તો પછી તે દુનિયાના મામલા સાથે તારે શું કામ?

(34) માલા તો કરમેં ફિરે, જીભ ફિરે મુખ માંહિ,
મનવા તો ચૌદિશ ફીરે, ઐસો સુમરન નાહિ.

તારા હાથમાં માળા ફરતી હોય, અને મોંમાં જીભ રામ રામ કરતી હોય, છતાં મન જાત જાતનાં વિચારોમાં ચારો દિશામાં ફરતું હોય. આવું તારૂં સ્મરણ એ કંઈ પરમાત્માનું સ્મરણ નથી.

(35) સુમરન ઐસો કિજીયે, ખરે નિશાને ચોટ,
સુમરન ઐસો કિજીયે, હલે નાહિ જીભ હોઠ.

પરમાત્માનું સ્મરણ એવું કરવું કે જેની ચોટ ખરા નિશાન પર લાગે એટલે કે તારૂં ચિત્ત પરમાત્મા સાથે એક થઈ જાય. અને તે સ્મરણ એવું થાય છે કે જેને માટે જીભ કે હોઠ હલાવવાની જરૂરત નથી.

(36) હોઠ કંઠ હાલે નહિ, જીભ્યા ન નામ ઉચ્ચાર,
ગુપ્ત સુમરન જો ખેલે, સોહિ હંસ હમાર.

સ્મરણમાં જીભથી મોટા અવાજે નામના ઉચ્ચાર થતા ન હોય, હોઠ કે કંઠ હાલતો ન હોય, એમ શરીર અને મન શાન્ત હોય. એવું ગુપ્ત છાનું સ્મરણ જે કરતો હોય, તે હમારો ખરો હંસ એટલે સંત પુરૂષ છે.

(37) અંતર ‘હરિ હરિ’ હોત હય, મુખકી હાજત નાંહિ,
સહેજે ધુન લાગી રહે, સંતન કે ઘટ માંહિ.
\
જેના અંતઃકરણમાં અર્થાત્ મનમાં હરિ એટલે કે પરમાત્માનું સ્મરણ કાયમ ચાલુ રહે, છતાં તે મુખથી મોટેથી બોલતો ન હોય, તેવા સંતનાં મનમાં તેની ધુન સહજે જ ચાલુ રહે છે.

(38) અંતર જપીયે રામજી, રોમ રોમ રન્કાર,
સહેજે ધુન લાગી રહે, એહિ સમરન તત્સાર.

અંતઃકરણમાં રામજીનો જાપ એવો હરહંમેશ ચાલતો રહે તો તેનો રણકાર તારા રોમે રોમમાં જાગી ઉઠશે. એમ પરમાત્માની ધુન સહેજ થઈ જશે, ત્યારે તેવા સ્મરણથી તને તત્વનો સાર સમજાય જશે.

(39) સુમરન સુરતિ લગાયકે, મુખસે કછુ ના બોલ,
બાહેર કે પટ દેય કે, અંતર કે પટ ખોલ.

પરમાત્માના સ્મરણમાં ધ્યાન લગાડી, મુખથી કંઈ પણ બોલવું નહિં. બહારના દરવાજા બંધ કરી, અર્થાત્ મન અને ઈન્દ્રિયોને બહાર ભટકતી અટકાવી, તારા અંતઃકરણના દરવાજા ખોલી દે. એટલે કે તેનામાં જ તારૂં ચિત્ત જોડી દે.

(40) લેહ લાગી તબ જાનિયે, કબુ છુટ ન જાય,
જીવ તહિ લાગી રહે, મુવા માંહિ સમાય.

પરમાત્માની લેહ લાગેલી છે, તે ત્યારે જણાય છે કે તું તે પરમાત્મા સાથે એક થઈ જાય. તારૂં અને તેનું એક પણું કદી પણ છુટે નહિં, તેમ જ જીવતા જીવત તું તેના મય થઈ રહે, અને મર્યા પછી તેનામાં જ સમાશે.

(41) બુંદ સામાના સમુદ્રમેં, જાનત હય સબ કોય,
સમુદ્ર સમાના બુંદમેં, જાને બીરલા કોય.

પાણીનું ટીપું સમુદ્રમાં સમાય જાય તે તો સર્વ કોઈ જાણે છે. પણ સમુદ્ર પાણીના ટીપામાં સમાય જાય છે, તે તો કોઈ વિરલા પુરૂષ જ જાણે છે.આત્મા પરમાત્મા રુપ એકરુપ થઇ જાય છે.

Leave a Reply