પરગટ નરની સેવ,હેજી તારા દેવળમાં એક દેવ,
કરી લે પરગટ નરની સેવ જી…ટેક
એક ઘડી એની ટેલ કરતાં તે રીજે છે તતખેવ જી,
એનાથી તને એટલું મળે તારી ટળે સઘળી કૂટેવ…કરી લે
માળાના મણકા જગન-જવાળા તને કેશે નહીં કાઇ કેણજી
ઝેર ભરેલાં નીચોવીને તારાં નિર્મળ કરશે નેણ…કરી લે
અંગ ને દિલ તારા ઉજળાં થાશે સઘળા બનશે સેણ જી,
વૈખરી વાણી વહી જશે તારાં વૈદ બનશે વેણ…કરી લે
કાગ કહે તારી ખોવાઈ જાશે બેપણાની ટેવ જી,
બધા દેવળમાં હસતો રમતો દેખાશે એક દેવ…કરી લે