બાપુ ફરી ધરો અવતાર Bapu fari dharo avtar

બાપુ ફરી ધરો અવતારજી, ફરી ધરો અવતાર,
એ નવયુગ સરજનહાર, બાપુ આવજો એકવાર…ટેક

સુદામાની સોરઠ ભમે, ધર્યાતા અવતારજી,
સત્ય ને અહિંસા ઉપાસક, શાંતિના છડીદાર…બાપુ

હતો પરવશ દેશ, દીઠો કુડો કારોબારજી,
સ્વાધિન કરવા હિંદ ભૂમિ, તે કર્યો નિરધાર…બાપુ

જેનાં જબ્બર જોમ, એટમ બમ ના હથિયારજી
એનાં સામે તું અહિંસક, સૈન્યનો સરદાર…બાપુ

નવે ખંડમાં ધાક એવી, અંગ્રેજ સરકારજી,
તમે નમાવ્યો એવો નૃપ, થઈ દુનિયા ખેગાકાર…બાપુ

અમૃત પીવા સર્વ દેવો, આવ્યા તારે દ્વારજી,
આઝાદીના પ્યાલા પાયા, દીલનાં દાતાર…બાપુ

કોમ કલહે ભોમ ભાંગી, થયે જન સંહારજી,
દેવ તુજ વિણ કોણુ ઠારે, ભારેલો અંગાર…બાપુ

ધાક ધમકી ધાંધલો તે, સહ્યા પારાવારજી;
બાપુ તુજ વીણુ કોણ એવા, ઝેર જીરવનાર…બાપુ

ઇસુ બુદ્ધ અને દયાનંદ, શાન્તિના ચાહનારજી;
એનાં સિદ્ધાન્તે ભર્યા તે, ઉરમાં સંભાર…બાપુ

સેવામાં નિજ દેહની તે, કરી નહિ દરકારજી;
દેહના બલિદાન દીધાં, દિલ્હી ગઢ મોજાર…બાપ

દુનિયાનો મોટો મુત્સદ્દી, બુદ્ધિનો ભંડારજી,
બાપુ તુજ વીણ કોણ વ્હેશે, ભરત ખંડનો ભાર…બાપુ

ગાંધી ગુણથી કરે કેશવ,”લાખેણા લલકારજી
ચાલીસ કોટી હિંદીઓના, બાપુ તારણહાર…બાપ

Leave a Reply