મઢડા વાળી માતાને વંદન અમારા madhada vali maat ne vandan amara

મઢડા વાળી માતાને વંદન અમારા;
નિત્ત ઊઠી પ્રભાતે કરું દર્શન તમારા.

હે..કઠણ કળી કાળમાં છે આશરો તમારો,બાળક જાણીને મને પાર ઉતારો;
અજ્ઞાન રૂપી દૂર કરોને અંધારા,મઢડા વાળી માતાને વંદન અમારા.

હે..આ ભવસાગરમાં હું તો ભૂલો પડ્યો છું, તવ ચરણોમાં હું ખૂબ રડ્યો છું;
હવે આંસુ લૂછીને કાપો કષ્ટ અમારા,મઢડા વાળી માતાને વંદન અમારા.

હે..ચારણફૂળમાં જન્મ મળ્યો છે, દેવી પુત્રનું બિરુદ ધર્યું છે;
છતાંયે જીવ કરે છે કર્મ નઠારા,મઢડા વાળી માતાને વંદન અમારા.

હે..શિવશક્તિ નો ઉપાસક છે ચારણ, મદિરામાં મહોબ્બત નું શું છે કારણ;
મદિરા છોડી તમે કર્મ કરો સારા,મઢડા વાળી માતાને વંદન અમારા.

હે..અમૃત વાણીમાં મા એ આપ્યું છે અમને, તેથી તો પ્રિય લાગે સારા જગને;
વાણી પ્રમાણે હોય વર્તન તમારા,મઢડા વાળી માતાને વંદન અમારા.

હે.. ચારણોની સાક્ષી મળે વેદોમાં,ઉપનિષદ રામાયણ ભાગવત શ્લોકોમાં;
ચાર વર્ણમાંથી જણાયે છે બારા,મઢડા વાળી માતાને વંદન અમારા.

હે..વર્ણાશ્રમ ધર્મમાં તમે જુઓને ચકાસી, બાહ્યણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર ને સંન્યાસી;
દેવ કોટિમાં ખુદ બ્રહ્યા ગણનારા,મઢડા વાળી માતાને વંદન અમારા.

હે..જે ‘દી નારાયણ નિવાજ્યાં સાંયા ઝૂલા પર, સાંઢણી ભરીને આપી સોનામહોર;
થાળ બનાવી પ્રભુ ચરણે ધરનારા,મઢડા વાળી માતાને વંદન અમારા.

હે.. ઇસરદાસજીએ જ્યારે અલખને આરાધ્યા, હરિરસ દેવી આ ગ્રંથો બનાવ્યા;
અમર નામ કરીને ચારણ કુળ તારનારા,મઢડા વાળી માતાને વંદન અમારા.

હે.. આવા પુરુષો થયા ચારણ જ્ઞાતિમાં, વૈરાગી વચન એના લાગે છાતીમાં;
નિત્ત ‘નારાયણ’ દેજો દર્શન તમારા,મઢડા વાળી માતાને વંદન અમારા.

madhada vali maat ne vandan amara

Leave a Reply