સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી – sonala vatakadi ne gujarati lyrics

સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી,
ગોપીચંદ રાજા બેઠો ના’વા રે ભરથરી.
હાથ પગ ચોળે એના ઘરની અસતરી,
વાંસાના મોર ચોળે માડી રે ભરથરી.
મોર ચોળંતા એનું હૈડું ભરાણું જો.
નેણલે આંસુડલાંની ધાર રે ભરથરી.
નહિરે વાદળડી ને નહિ રે વીજળડી,
આ ઓચિંતાંના નીર ક્યાંથી આવ્યાં રે ભરથરી.
આવી કાયા રે તારા બાપની હતી જો,
એ રે કાયાનાં મરતૂક થિયાં રે ભરથરી. કો’તો,
માતાજી, અમે દુવારકાં જાયેં જો,
દુવારકાંની છાપું લઇ આવું રે ભરથરી.
કો’તો, માતાજી, અમે હિંગળાજ જાયેં જો.
હિંગળાજના ઠુમરા લઇ આવું રે ભરથરી.
કો’તો, માતાજી અમે કાશીએ જાયેં જો,
કાશીની કાવડ્યું લઇ આવું રે ભરથરી.
કો’તો, માતાજી, અમે જોગીડા થાયેં જો,
કો’તો લઇએ ભગવો ભેખ રે ભરથરી.
બારવરસ, બેટા રાજવટું કરો જો,
તેરમે વરસે લેજો ભેખ રે ભરથરી.
બાર વરસ, માતા, કેણીએ ન જોયાં જો.
આજ લેશું રે ભગવો ભેખ રે ભરથરી.
દેશ જાજેને, દીકરા, પરદેશ જાજે જો,
એક મ જાજે બેનીબાને દેશ રે ભરથરી.
આંબાનીડાળે ને સરોવરની પાળે જો,
ઊતરી છે જોગીની જમાત રે ભરથરી.
નણંદબાઇની દીકરી ને સોનલબાઇ નામ જો.
સોનલબાઇ પાણીડાં હાર્ય રે ભરથરી.
કો’તો મામી, તમારો વીરોજી દેખાડું જો,
કો’તો દેખાડું બાળો જોગી રે ભરથરી.
સાચું બોલો તો, સોનલબાઇ, સોનલે મઢાવું જો,
જૂટું બોલો તો જીભડી વાઢું રે ભરથરી.
કડે સાંકળિયે મેં એને દીઠો જો
બાળુડો જોગી કેમ ઓળખાય રે
હાલો દેરાણી ને હાલો જેઠાણી બા,
જોગીડાની જમાત જોવા જાયેં રે ભરથરી,
થાળ ભરીને શગ મોતીડે લીધો જો,
વીરને વધાવવાને જાય રે ભરથરી.
બેની જોવે ને બેની રસ રસ રોવે જો,
મારો વીરોજી જોગી હુવો રે ભરથરી,
પાલખી ન જોયેં, બેનીબા, રાજ નવ જોયેં જો,
કરમે લખ્યો છે ભગવો ભેખ રે ભરથરી.

Leave a Reply